અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર રામોલમાં રવિવારે ફાયરિંગની ઘટના બની છે. વાહનની લે વેચના હિસાબ બાબતે એક આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
:પૂર્વ વિસ્તાર રામોલમાં ગુનેગારો બેફામ બનતા હોય છે અને રવિવારે પણ કંઈક આવું જ બન્યું છે. શહેરના પૂર્વ વિસ્તાર રામોલમાં વાહનની લે વેચના હિસાબ બાબતે રવિવારે એક આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઇરફાન વોરા નામનો એક યુવક પરિશ્રમ એસ્ટેટમાં આવેલા એક ગલ્લા પર બેઠો હતો. ત્યારે તેણે અગાઉ જે જિશાન ઉર્ફે દત્તા મેમણને વાહન વેચ્યું હતું. તેની ઉઘરાણી બાબતે બોલાવતા જિશાન ત્યાં અન્ય 3 શખ્સો સાથે આવી પહોંચ્યો હતો. પહેલા બને પક્ષે બબાલ થઈ અને મામલો ઉગ્ર બનતા જિશાન ઉર્ફે દત્તાએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ઇરફાનને મારી નાખવાની કોશિશ કરી હતી.
આરોપીના અગાઉ પણ ગુનામાં : આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસ કરતા સ્થળ પરથી ફાયરિંગ થયું હોય તેના સામાન્ય પુરાવા મળ્યા છે. ગુનામાં ફરિયાદી રાયોટિંગ સહિતના ગુનામાં અગાઉ પકડાયેલો હતો અને આરોપી એમ.ડી ડ્રગ્સ, વાહન ચોરી અને હથિયારના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું હતુ.
આરોપી જિશાન તો હાલ જ જેલમાં રહીને પણ આવ્યો હતો અને બહાર આવતા જ તેણે વધુ એક ગુનો આચર્યો છે. આરોપી અને ફરિયાદી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી પોલીસને પણ બનાવ બાબતે અનેક શંકાઓ છે. જેથી FSL ની મદદ લઇ પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી જિશાન મૂળ શાહ આલમનો રહેવાસી છે, જેથી દાણીલીમડા અને ઇસનપુર પોલીસની સાથે રામોલ પોલિસ પણ ફરાર આરોપીને શોધવા કામે લાગી છે. આરોપી તેના ફોન બંધ કરી ફરાર થઇ જતા પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી છે.
અંગે રામોલ પોલીસ સ્ટેશનના PI સી.આર રાણાએ જણાવ્યું હતું કે, ફરિયાદ મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. જેમાં ફાયરિંગના પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. આ મામલે FSLની ટીમની પણ મદદ લેવામાં આવી છે. આરોપીઓ CCTVમાં કેદ થયા હોવાથી પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી લેવાની કામગીરી હાથ ધરી છે.