Ahmedabad :
રાજકોટના કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગાએ એડવોકેટ તસનીમ ઝાબુઆવાલા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જજ દિવ્યેશ જોશીની કોર્ટમાં રજુ થઈ હતી. વર્ષ 2022માં દાખલ થયેલી આ અરજી ઉપર આજે હાઇકોર્ટે ચુકાદો આપતાં અરજદારના જામીન મંજૂર કર્યા છે. નિખિલ દોંગા પર ખંડણી, કોન્ટ્રાક્ટ કિલિંગ સહિત 117 ગુના છે.
રાજકોટના ગોંડલ શહેર પોલીસ મથકે 2020માં ફરિયાદ નોંધાઈ હતી. તેની ઉપર ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ એક્ટ 3(1), 3(2), 3(4), 3(5), 4 अने IPC 120 B મુજબ ગુનો નોંધાયો હતો. તેને અગાઉ રાજકોટ સેશન્સ કોર્ટમા પણ જામીન અરજી દાખલ કરી હતી. જેને ઓક્ટોબર, 2022માં સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.
નિખિલ દોંગા પર અનેક ગુના
ગુજસીટોક અંતર્ગત ખંડણી, જમીન પચાવી પાડવી, કોન્ટ્રાક્ટ કિલિંગ, આર્થિક ગુના, સાયબર ક્રાઇમ, જુગાર, હ્યુમન ટ્રાફિકિંગ વગેરે ગુનાનો સમાવેશ થાય છે. કોર્ટ સમક્ષ ખૂબ લાંબો રેકોર્ડ મૂકવામાં આવ્યો હતો. જેમાં અરજદારના વકીલે એક બાદ એક કેસમાં અસીલનો બચાવ કર્યો હતો.
નિખિલ દોંદા પર હત્યાનો પણ ગુનો
અરજદાર ઉપર હત્યાનો ગુનો પણ હતો. પરંતુ તેમાં તે 2023માં નિર્દોષ છૂટ્યો હતો. આરોપી સતત પાછલા 10 વર્ષથી જેલમાં છે. જેલમાં રહીને તે કેવી રીતે ગેંગ ઓપરેટ કરી શકે તેવો પ્રશ્ન અરજદારના વકીલે કોર્ટ સમક્ષ મૂક્યો હતો. જો તે ફોન કરતો હોય તો તે જેલ ઓથોરિટીની જવાબદારી છે. વળી 2020થી તો તે ગુજસીટોકને લઈને જેલમાં છે. તેની પાસેથી કોઈ મોબાઈલ મળ્યો નથી.
જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો
નિખિલ દોંગાએ 2003થી ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. તેમજ તેણે ગોંડલમાં ‘યુધ્ધ એજ કલ્યાણ’ ગ્રુપની સ્થાપના કરી હતી. તેણે અત્યારસુધીમાં 117 જેટલા ગુના આચર્યા છે. માત્ર એટલું જ નહીં, નિખિલ દોંગાએ પેરોલ મંજૂર કરાવી 6 ગંભીર ગુના આચર્યા હતા. તે જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો.
નિખિલ દોંગા ગેંગ સામે 117 ગુના નોંધાયેલા છે નિખિલ દોંગા ગેંગ સામે કુલ 117 ગુના નોંધાયા છે. જેમાં ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, ભક્તિનગર, માલવિયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ, પ્રદ્યુમ્નનગર, ક્રાઇમ બ્રાંચમાં, લીંબડી, થાન, જોરાવરનગર, કેશોદમાં ફરિયાદો નોંધાઇ છે. નિખિલ દોંગા સામે 2003થી 2020 સુધીમાં 14 ગંભીર ગુના નોંધાયા છે.
જયરાજસિંહ સાથે ગેર સમજણ ઉભી થઈ હતી સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2017ની ચૂંટણીમાં નિખિલ દોંગાએ જયરાજસિંહ જાડેજા માટે કામ કર્યું હતું. પરંતુ કાળક્રમે બંને વચ્ચે ગેરસમજણ ઊભી થઈ હતી. ત્યારબાદ નિખિલ દોંગા અને તેનું ગ્રુપ સતત એવું માની રહ્યું છે કે, તેના અને તેના ગ્રુપ વિરુદ્ધ જે કંઈ પણ પોલીસ ફરિયાદથી માંડી જે કંઈ પણ બનાવો બન્યા છે તે રાજકીય ઈશારે બન્યા છે. બીજી તરફ ચૂંટણી પૂર્વે જો નિખિલ દોંગા કાયદાકીય લડત લડી બહાર આવે તો ચૂંટણીમાં ચોક્કસ તે અને તેનું ગ્રુપ જયરાજસિંહ જાડેજાની સામેના ઉમેદવારને મદદ કરવાની શક્યતા હતી.