Ahmedabad : અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોલ સેન્ટર માફિયા હોય એ શહેરને બાનમાં લીધું હોય તેની ઘણી સિરીઝ અમારા માધ્યમ દ્વારા ચલાવવામાં આવી હતી.
અમદાવાદના રામોલથી વાયા આંધ્રપ્રદેશ થઈ અમેરિકામાં લોકો સાથે ઠગાઈ કરતું કોલ સેન્ટર પકડી પાડી સીઆઈડી ક્રાઈમે છ લોકોને રૂપિયા ૫૦ લાખના મુદ્દા માલ સાથે ઝડપી લીધા છે. સીઆઈડી ક્રાઈમે જજીસ બંગ્લા રોડ પર આવેલી હોટલ પ્રાઇડમાં દરોડો પાડી કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર અને એના સાગરીતને ઝડપી લીધા હતા. જોકે, અન્ય બે નાસતા ફરતાં આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.સીઆઈડી ક્રાઈમને રામોલ ટોલ ટેક્સ પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કોલ સેન્ટરના પ્રોસેસર હાર્દિપ નંદાણીયા, જૈવીક સુદાણી અને હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. જેનો સંચાલક જૈવીક સુદાણી હતો. આ કોલ સેન્ટર આંધ્રપ્રદેશમાં ચાલતા મોટા કોલ સેન્ટર સાથે કનેક્ટ હતું અને સાગર પટેલ ઉર્ફે એસ.પી. નામનો મુખ્ય સૂત્રધાર તેનુ સંચાલન કરતો હતો. આંધ્રપ્રદેશના કોલ સેન્ટરમાં ચાળીસેક જેટલા છોકરાઓને ટેલિકોલરની નોકરી પર રાખ્યા હતા. ત્યાંથી અમેરિકામાં પે ડે લોન કંપની તથા સાયબર એટેકના બહાને ડરાવી ધમકાવી એક થી બે હજાર ડોલર ક્રિપ્ટો કરન્સીમાં જમા કરાવવામાં આવતા હતા. આ રકમ ચાઈનાના પ્રોસેસર મારફતે ભારતીય ચલણમાં રૂપાંતરિત કરી દેવામાં આવતી હતી. હાર્દિપ નંદાણીયા આંધ્રપ્રદેશના કોલસેન્ટર માટે પ્રોસેસર તરીકે કામ કરતો હતો. જોકે, આ બધા રામોલના સેન્ટર પરથી જ બધુ સંચાલન કરતાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.તપાસમાં સીઆઈડી ક્રાઈમને જાણવા મળ્યું હતું કે, અમેરિકાના ગ્રાહકોના એકાઉન્ટની વિગતો મેળવીને હાર્દિક ટેલિગ્રામ મારફતે આંધ્રમાં સાગર પટેલને મોકલાતી હતી. જૈવિક કોલ પ્રોવાઇડરની સાથે અમેરિકન નાગરિકોનો ડેટા આપતો હતો. હાર્દિક પટેલ કોલ પ્રોવાઇડર તરીકે કામ કરતો હતો. સાગર કમિશન કાપીને આ લોકોને પૈસા આપતો હતો. આ બધામાં મુખ્ય સૂત્રધાર સાગરની તપાસ કરતાં આરોપીઓએ માહિતી આપી કે હાલ સાગર પટેલ અને એનો સાગરીત અભિષેક બનવીર જજીસ બંગ્લા રોડ પર આવેલી હોટલ પ્રાઇડમાં રોકાયેલા છે. આથી સીઆઇડીક્રાઈમે દરોડો પાડી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.