Ahmedabad civil hospital લેભાગુ તત્વોએ સિવિલને બદનામ કરવાના હેતુથી 200થી વધુ આરટીઆઇ કરી, તોડબાજીનો કથીત ઓડીયો પણ વાયરલ અમદાવાદ, સોમવાર શહેરના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ સુપ્રિટેન્ડેટ ઓફિસની સામે દેખાવ કરતા ચકચારમચી ગઇ છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી લેભાગુ તત્વો દ્રારા આરટીઆઇ કરી રહ્યા છે ત્યારે મેનેજર સહિતના લોકો પર મહિલાને હેરાનગતિ કરતા હોવાના આરોપ મુકી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની ઇજ્જત બચાવવાના હેતુસર મોટી સંખ્યામાં મહિલાઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા. સાથે સિવિલના સુપ્રિટેન્ડેટ અને પોલીસને લેભાગુ તત્વો વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની પણ માંગ કરી હતી. મહિલાઓએ સિવિલ હોસ્પિટલનો રસ્તો જામ કરતા શાહીબાગ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સીગનો કંટ્રોક્ટ હાલ વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપની પાસે છે. સિવિલ હોસ્પિટલમાં વિશ્વા એન્ટરપ્રાઇઝ કંપનીમાં ચોથા વર્ગના 1500થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આજે સવારે સિવિલના સુપ્રિટેન્ડેટ રાકેશ જોશીની ઓફિસની બહાર અંદાજીત મહિલા કર્મચારીઓએ દેખાવો કર્યા હતા. દેખાવ કરવા પાછળનું કારણ આરટીઆઇ એક્ટીવસ્ટ સહિતની ટોળકી છે. સિવિલ હોસ્પિટલમાં વિશ્વા એન્ટરપ્રાઇઝ, મેનેજર તેમજ સુપ્રિટેન્ડેટ રાકેશ જોશી અને પુર્વ સેનેટરી ઇન્સપેક્ટર જૈમીન બારોટ સામે 200થી વધુ આરટીઆઇ કરી હતી. આ સિવાય મેનેજર મહિલાઓનું શોષણ કરતા હોવાના પણ આરોપ મુક્યા હતા. લેભાગુ તત્વોએ સિવિલની કામગીરીમાં દખલઅંદાજી કરતા કર્મચારીઓ ઉશ્કેરાયા હતા. મહિલાઓએ સ્વૈચ્છીક રીતે આજે સિવિલ હોસ્પિટલમાં દેખાવો કર્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સિવિલ હોસ્પિટલને બદનામ કરીને ખોટી રીતે હેરાનગતિ કરવાના હેતુસર આરટીઆઇ કરનાર તત્વો વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. પરિસ્થિતી ખરાબ થાય નહી તે માટે શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર સહિતની ટીમ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તેમને પણ સુપ્રિટેન્ડેટની હાજરીમાં લેભાગુ તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટેની બાહેધરી આપી હતી. મેનેજર લેભાગુ તત્વો વિરૂદ્ધ પોલીસ સ્ટેશમાં બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવવા માટેની લેખીતમાં ફરિયાદ પણ કરી દીધી હોવાનું સામે આવ્યુ છે. થોડા દિવસ પહેલા આરટીઆઇ એક્ટીવીસ્ટ સમજી બેઠેલા કેટલાક લોકો સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ રાકેશ જોશીને આવેદન પત્ર આપ્યુ હતું અને મેનેજર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદન પત્રમાં વિશ્વાસ એન્ટરપ્રાઇઝ વિરૂદ્દ તેમજ મેનેજર વિરૂદ્ધ હતું. મેનેજર મહિલાઓ સાથે દુવ્યવહાર કરતા હોવાના આરોપ મુકવામાં આવ્યા હતા. આવેદન પત્ર ટોળકી માંથી એક વ્યકિતએ મેનેજરનો તોડ કરવાના ઇરાદે ફોન એક સ્થાનિક વ્યકિતને કોલ કર્યો હતો. સ્થાનિક વ્યકિતએ સિવિલ હોસ્પિટલનું હિત વિચારીને બન્નેની વાતચીત રેકોર્ડીગ કરી દીધી હતી. આ રેકોર્ડીગમાં મેનેજરનો તોડ કરવાનો ઇરાદો હોવાનું સ્પષ્ટ થતા અંતે પોલીસમાં ફરિયાદ પણ કરાઇ છે. આ કથીત ઓડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મેનેજર આ મામલે લેભાગુ તત્વો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખીતમાં ફરિયાદ કરી છે જેમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આજે પણ સિવિલ હોસ્પિટલ અને મેનેજરના સમર્થનમાં મહિલાઓએ ઉગ્રદેખાવો કર્યા હતા. હડતાળના ઇરાદા સાથે ઉતરેલી મહિલાઓએ લેભાગુ તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે સુત્રોચ્ચાર કર્યા હતા. જોકે મેનેજર તેમજ સિવિલના કેટલાક આગેવાનોએ મહિલાઓને સમાજાવી હતી અને પોતાના કામ ઉપર જવાનું સુચન કર્યુ હતું. મહિલાઓએ મેનેજર સહિતના લોકોની વાત માનીને પોતાના કામ ઉપર પરત ફર્યા હતા. જો આવનારા દિવસોમાં લેભાગુ તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન થાય તેવી પણ સુત્રો દ્રારા ચર્યાઇ રહ્યુ છે. લેભાગુ તત્વો સિવિલને બદનામ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યા છે જ્યારે તેમને જવાબ આપવા માટે મહિલા કર્મચારીઓ આગળ આવી છે. સમગ્ર મામલો છેક ગાંધીનગર સુધી પહોચે તેવી પણ શક્યતા છે.