Ahmedabad :
ભાવનગર શહેરના સેલારશા ચોક વિસ્તારમાં યુવકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. ઇલિયાસ હારુંભાસી બેલીમ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ઇલિયાસ ભાવનગર મ.ન.પા માં દબાણ સેલ વિભાગમાં ફરજ બજાવતા હતા. આ ઉપરાંત કસબા અંજુમન ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ હતા. હત્યાને લઈ લોકોના ટોળેટોળા હોસ્પિટલ બહાર એકઠા થયા છે.
ભાવનગર શહેરના સંધેડીયા બજાર ચોકમાં જાહેર હત્યા અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. અમુક ઈસમો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી હત્યા કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ઇલિયાસ બેલીમ નામના શખ્સની હત્યાને પગલે હાલમાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર ધંધાકીય લેવડ દેવડ મામલે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. મૃતક ઇલ્યાસ બેલીમ ભાવનગર કસબા અંજુમનના ઉપપ્રમુખ અને મુસ્લિમ સમાજના અગ્રણી છે.
ધંધાકીય લેતીદેતી બાબતે હત્યા કરવામાં આવી- ડીવાયએસપી
આ હત્યા અંગે ડીવાયએસપી આર.વી. ડામોરે જણાવ્યું હતું કે, સાંજના પાંચેક વાગ્યાના અરસામાં સંઘેડીયા બજાર નજીક ઈલિયાસ બેલિમ અને સરફરાજ ઉર્ફે નાનકો સહિતના ઈસમો વચ્ચે ધંધાકીય લેવડદેવડ બાબતે ઝઘડો થયો હતો. જેમાં સરફરાજ સહિતના આરોપીઓએ છરી વડે ઈલિયાસ પર હુમલો કરી દેતા ઈલિયાસને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બાબતે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે.
આ ઘટનાના પગલે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. આ ઉપરાંત મૃતક મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખામાં ફરજ બજાવતા હોય મનપાના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ પર દોડી આવ્યા હતા.