Ahmedabad:
આરટીઓ એજન્ટનું કામ કરતા એક સહિત બે શખ્સનું પૈસા કમાવા કારસ્તાન
ચાઇનીઝ દોરીનો જથ્થો આણંદના સઉદુ પાસેથી વેચવા માટે લાવ્યાની કબૂલાત.
ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી, તુક્કલના વપરાશ કે ખરીદ વેચાણ પર પ્રતિબંધ હોવા છતાંય કેટલાક શખ્સો આ પ્રતિબંધિત ઘાતક દોરીનું વેચાણ કરતા હોય છે. તેવામાં શહેરના ઝોન-7 ડીસીપીની એલસીબી સ્ક્વોડને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શખ્સ ચાઇનીઝ દોરીના ટેલર સાથે નીકળવાનો હોવાની બાતમી મળતા પોલીસે આરોપીને 19 ટેલર સાથે પકડ્યો હતો. બાદમાં તેને આ જથ્થો આપનાર શખ્સને પણ તેના ઘરેથી ઝડપી પાડી બંને આરોપીઓ પાસેથી કુલ 73 ચાઈનીઝ દોરીના ટેલર કબજે લીધા હતા.
ઝોન-7 એલસીબીના પીએસઆઈ વી. બી. ચૌધરીની ટીમના કોન્સ્ટેબલ ઇરફાન કાસમભાઈને બાતમી મળી હતી કે, પ્રતિબંધિત ઘાતક ચાઈનીઝ દોરી સાથે એક શખ્સ જુહાપુરા યશ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થવાનો છે. જેથી પોલીસે ત્યાં વોચ ગોઠવીને અબરાર કુરેશી (હુસેનીપાર્ક-2, જુહાપુરા)ની અટકાયત કરી હતી. આરોપી પાસે રહેલી થેલીમાં તપાસ કરતા ચાઇનીઝ દોરીના 19 ટેલર મળી આવ્યા હતા. આ જથ્થો કોણે આપ્યો તે બાબતે પૂછપરછ કરતા જુહાપુરાની ગુલસને અહેબાબ સોસાયટીમાં રહેતા સલમાન પઠાણે આપ્યો હોવાની આરોપીએ કબૂલાત કરતા પોલીસે ત્યાં રેડ કરી હતી. ત્યારે આરોપી સલમાન તેના ઘરેથી મળી આવતા તેની પણ ધરપકડ કરીને ઘરમાંથી 54 ટેલર કબજે લીધા હતા. બંને આરોપીઓ સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પૂછપરછ કરતા આરોપી અબરાર આરટીઓ એજન્ટ છે જ્યારે સલમાન મટન શોપ ચલાવે છે અને વધુ પૈસા કમાવવાની લાલચે ચાઇનીઝ દોરી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. સાથે ચાઈનીઝ દોરીનો જથ્થો આણંદના સઉદુ પાસેથી વેચાણ કરવા લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 73 ચાઇનીઝ દોરીના ટેલર સહિત રૂ.40 હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.