ગાંધીનગર અને મહેસાણાના ગામડાઓમાં પશુઓ ચોરી કરીને તેને સ્કોર્પિયો ગાડીમાં ભરીને કતલખાને લઈ જતા બે શખ્સો મધરાત્રે ફરીથી પશુચોરી કરવા નીકળવાના હોવાની અમદાવાદ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી. જે બાતમીના આધારે જમાલપુર સ્મશાન પાસેથી બે શખ્સોને છરો, ચપ્પુ અને દોરડા જેવા હથિયારો સાથે ઝડપી પશુચોરીનો બનાવ બને તે પહેલાં પોલીસે અટકાવ્યો હતો.અમદાવાદ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે બે શખ્સો રિવરફ્રન્ટ થઈને સ્કોર્પિયો ગાડીમાં ગાંધીનગર કે મહેસાણા પશુચોરી કરવા નીકળવાના છે. જેને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમે જમાલપુર સ્મશાન પાસે વોચ ગોઠવી બાતમીના આધારે એક સ્કોર્પિયો ગાડીને રોકીને આસીફ ઉર્ફે કોમલ શેખ અને મોહમદ જરફાન ઉર્ફે જકવાન ઉર્ફે જરાર શેખ નામના બે શખ્સોની અટકાયત કરી હતી. આ બંને શખ્સોની ગાડીની તપાસ કરતા તેમાંથી લોખંડના છરા, લાકડાનો દંડો, દોરડું સહિતની વસ્તુઓ મળી આવતા બંનેની ધરપકડ કરાઈ હતી. વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ અગાઉ મહેસાણા અને ગાંધીનગરના ગામડાઓમાં ઢોર ચોરીના ગુનામાં પકડાયા હતા અને હાલ પણ ઢોર ચોરી કરવા માટે નીકળ્યા હતા.