ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝૂંબેશના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ તેનો અસરકારક અમલ શરૂ થઈ ગયો છે. શહેરના સેટેલાઈટ, ઈસનપુર, ઓઢવ અને ચાંદખેડામાં પોલીસે લોકદરબાર યોજીને વ્યાજખોરો સામે ચાર ગુના દાખલ કર્યા છે. આ ઉપરાંત વ્યાજખોરોથી ત્રાસેલા ભોગ બનનાર ૫૩ જેટલા લોકોની અરજીની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આ ઝૂંબેશના કડક અમલ માટે કાર્યવાહી થઈ રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઓઢવમાં ફોન પર અરજદારે રજૂઆત કરતા પોલીસ અધિકારીઓએ તમામ વિગતો જાણી આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
નારોલ પોલીસના એએસઆઈએ 30 ટકા વ્યાજ નાણા ધીર્યા હતા.નારોલ પોલીસ સ્ટેશનમાં ચાર મહિલાઓ સામે ગુનો નોંધાયો છે. જેમાંથી એક મહિલા સુમન જોશી નારોલ પોલીસ સ્ટેશનમાં જ એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. સાત લાખ રૂપિયા 30 ટકા વ્યાજે આપ્યા હતા. જેની સામે 14 લાખ રૂપિયા વસૂલવામાં પણ આવ્યા હતા. સુમન જોશી સહિત ચાર મહિલાઓ સામે 120બ, 384, 386, 502 અને મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.