Journalist Aabeda pathan, journalist Auzef
ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝૂંબેશના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ તેનો અસરકારક અમલ શરૂ થઈ ગયો છે. શહેરના સેટેલાઈટ, ઈસનપુર, ઓઢવ અને ચાંદખેડામાં પોલીસે લોકદરબાર યોજીને વ્યાજખોરો સામે ચાર ગુના દાખલ કર્યા છે. આ ઉપરાંત વ્યાજખોરોથી ત્રાસેલા ભોગ બનનાર ૫૩ જેટલા લોકોની અરજીની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આ ઝૂંબેશના કડક અમલ માટે કાર્યવાહી થઈ રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઓઢવમાં ફોન પર અરજદારે રજૂઆત કરતા પોલીસ અધિકારીઓએ તમામ વિગતો જાણી આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
વ્યાજખોરો સામે હાથ ધરાયેલી ઝૂંબેશમાં શહેર પોલીસે જૂદા જૂદા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ૫૩ લોકોની અરજી પોલીસને મળ્યાની વિગતો ખુલી છે. આ ઝુંબેશમાં ચાંદખેડામાં ક્રેડીટ કાર્ડની બાકી રકમ બારોબાર ભરીને કાર્ડ ધારક પાસેથી વ્યાજ લેતા માથાભારે શખ્સની દાદાગીરીનો કીસ્સો બહાર આવ્યો છે. આરોપી બારોબાર કાર્ડ ધારકનું બાકી પેમેન્ટ ભરી તેનું વ્યાજ વસુલતો હતા. આ રીતે ૧૫ લાખનો બાકી હિસાબ કાઢીને આરોપીએ બળજબરીથી લખાણ કરાવી ચેકો લઈ લીધા હતા. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નારોલ પોલીસના એએસઆઈએ 30 ટકા વ્યાજ નાણા ધીર્યા
નારોલ પોલીસ સ્ટેશનમાં ચાર મહિલાઓ સામે ગુનો નોંધાયો છે. જેમાંથી એક મહિલા સુમન જોશી નારોલ પોલીસ સ્ટેશનમાં જ એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. સાત લાખ રૂપિયા 30 ટકા વ્યાજે આપ્યા હતા. જેની સામે 14 લાખ રૂપિયા વસૂલવામાં પણ આવ્યા હતા. સુમન જોશી સહિત ચાર મહિલાઓ સામે 120બ, 384, 386, 502 અને મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
કયા ઝોનમાં કેટલા કેસ નોંધાયા
ઝોન-1માં 2 ગુના- 3 આરોપી
ઝોન-2માં 1 ગુનો – 1 આરોપી
ઝોન-3માં 2 ગુના -9 આરોપી
• ઝોન-4માં એક પણ ગુનો નથી
. ઝોન-5માં 5 ગુના 12 આરોપી વિરુદ્ધ
. ઝોન-6માં 10 ગુના 18 આરોપી
ઝોન-7માં 4 ગુના 7 આરોપી