Ahmedabad આજ રોજ જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, પૂર્વ ધારાસભ્ય ગયાસુદીન શેખ,જાવેદ પિરજાદા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ રાજયમાં પરસ્પર વિશ્વાસ, શાંતિ અને સદભાવનાનું વાતાવરણ વધુ મજબૂત થાય તે માટે સકારાત્મક રજૂઆત કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજનાં ધાર્મિક ગુરૂ મુફતી સલમાન અઝહરી સાહેબને પાસામાંથી મુક્ત કરવા નમ્ર અરજ અને માંગણી
મુખ્યમંત્રીને આવેદનપત્ર સુપરદ કરી માનનીય પ્રધાનમંત્રીશ્રી સમક્ષ ભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવા અંગેની લાગણી પહોંચાડવા નમ્ર વિનંતી કરી
રાજયની શાંતિ અને સદભાવના માટે મુસ્લિમ સમાજ સહિત તમામ નાગરિકો કાયદો કે પત્થર હાથમાં ના લે
દેશની શાંતિ સલામતી માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ભડકાઉ ભાષણ બાબતે અનેક વખતની ફટકાર છતાં દેશમાં કટ્ટરવાદી વિચારધારા ધરાવતા જવાબદાર રાજકીય નેતાઓ અને કટ્ટરપંથી સંસ્થાના આગેવાનો દરરોજ નફરતી ભડકાઉ ભાષણ આપનારા કોઈપણ જાતના ભય વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તાજેતરમાં ભડકાઉ ભાષણ આપવાની ગંભીર ઘટનાઓની વાત કરીએ તો હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (૨.અ.) ની વિરુદ્ધ વાણીવિલાસ કરતા તત્વો સામે સુરત અને વડોદરામાં ફરિયાદ આપવા તેમજ નડિયાદ, ખેડા સહિત અન્ય સ્થળો ઉપર મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા વિડીયો સોશ્યલ મીડીયામાં વાઈરલ થતા સ્થાનિકો દ્વારા વીડીયોના પુરાવા સાથે પોલીસને ફરિયાદ આપી તેને પોલીસ તંત્રે માત્ર અરજી સ્વરુપે સ્વીકારવું નહી પરંતુ પ્રવચન અને વીડીયોના પુરાવાના આધારે ગુનો દાખલ કરવો જોઈએ.
તેનાથી વિપરીત મુફતી સલમાન અઝહરી સાહેબે પોતાના વકતવ્ય બાબતે સ્પષ્ટ ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે મેં મારા પ્રવચનમાં કોઈ ધર્મ જાતિ કે ભારત દેશનો ઉલ્લેખ કર્યો નથી. મારો સંદર્ભ ફીલીસ્તીન અને ગાઝાની ઘટના બાબતે હતો જે મારા પ્રવચનના વીડીયોમાં જોઈ શકાય છે. સ્પષ્ટતા છતાં પણ મુફતી સાહેબની ધરપકડ કરવામાં આવી તે સમયે અમોએ રઝા એકેડેમી, મુંબઈના હોદ્દેદારો તથા મુફતી અઝહરી સાહેબના મોટા ભાઈ મુફતી જુબેર મીસ્બાહીને સાથે રાખી રાજયના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબને તારીખ ૮-૨-૨૦૨૪ ના રોજ લેખિત રજૂઆત કરી મુફતી સાહેબના પ્રવચનના વીડીયો સહિતના પુરાવાની ચકાસણી પછી જ ન્યાયી રીતે આગળ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
પરંતુ ત્યાર બાદ જૂનાગઢ, કચ્છ અને મોડાસા ત્રણે જીલ્લા કોર્ટ દ્વારા મુફતી સાહેબને રેગ્યુલર જામીન આપ્યા પછી અન્યાયી રીતે પાસાની કાર્યવાહી કરવામાં આવી તેનાથી મુસ્લિમ સમાજને ખૂબ જ દુઃખ થયું છે માટે અમે તેને સત વિરોધ કરીએ છીએ. “પાસા” ની કાર્યવાહી અસામાજીક તત્વો તથા બુટલેગરો સામે કરવાની હોય છે. અમો માંગણી કરીએ છીએ કે ધાર્મિક પ્રચારક મુફતી સલમાન અઝહરીને તાત્કાલીક અસરથી “પાસા” રદ કરી જેલ મુક્ત કરવામાં આવે.
તાજેતરમાં ખેરાલુ, પાદરા, ભોજ, મંજુસર ગામે પણ ધાર્મિક યાત્રાળુઓને ભડકાઉ નારાને કારણે ધાર્મિક લાગણી દુભાય તેમજ ડીજે પર ભડકાઉ ગીતો વગાડવાના કારણે અશાંતિની ઘટનાઓ બની હતી. ખૂબ જ ગંભીર રીતે ઉપરોકત તમામ સ્થળે એક જ ધર્મ વિશેષ વિરુદ્ધ ૩૦૭ જેવા ગંભીર ગુનાઓની ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ આરોપીઓની મિલકતોને બુલડોઝરથી તોડી પાડવામાં આવી તે ખૂબ જ ગંભીર બાબત છે. કોઈપણ આરોપીનો ગુનો સાબિત થયા પછી જ કાયદેસર કાનૂની નોટિસ દ્વારા દસ્તાવેજી પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપ્યા બાદ મિલકત ગેરકાયદેસર હોય તો જ ડીમોલીશનની કાર્યવાહી કરવી જોઈએ, રાજયની શાંતિ અને સદભાવના માટે અમો મુસ્લિમ સમાજ સહિત તમામ નાગરિકોને વિનંતી કરીએ છીએ કે કાયદો કે પત્થર હાથમાં ના લેવો જોઈએ. પરંતુ કોઈપણ યાત્રા દરમ્યાન ઉશકેરણીજનક નારાઓ અને ગીતોથી ઉશ્કેરાયા સિવાય મોબાઈલ દ્વારા રેકોડીંગ કરી પોલીસ તંત્રને આપવું જોઈએ. અશાંતિની ઘટના બને ત્યારે પોલીસ પણ નિષ્પક્ષતાથી સીસીટીવી અને વીડીયોગ્રાફી દ્વારા ધર્મ જાતિના ભેદભાવ વિના સાચા ષડયંત્રકારો અને ગુનેગારોને પકડી પાડશે તો જ રાજયમાં ચુસ્તપણે શાંતિ અને સલામતીનું રક્ષણ કરી શકાશે.