Ahmedabad:વાડજ પોલીસે આરોપી ઈમરાન મેમણ નામના યુવકની ધરપકડ કરી છે. ઇમરાન પર બનાવટી દસ્તાવેજોના આધારે કરોડોની મિલકતની 3 વખત વેચાણ કરીને કાવતરૂ રચવાનો આરોપ છે.વાડજમા હરીદાસ કોલોનીમાં આવેલુ મકાન આરોપીએ બોગસ ડોકયુમેન્ટ બનાવીને વેચાણ કરાર કરી દીધુ હતું. આ મકાન ઉત્પલ અમીનનું હતુ પરંતુ આ પરિવાર અમેરિકા સ્થાયી થયો હતો. ત્યારે ઈન્દ્રજીત રાવલ નામના વ્યકિતને ભાડે રહેવા આપ્યો હતો. ઈન્દ્રજીત અને ઈમરાન મેમણ મિત્રો હતા. તેમણે આ મકાન પડાવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. ઈન્દ્રજીતએ આ મકાન ઈમરાનને વેચાણ કર્યુ. જયારે ઈમરાનને મનોજ શાહ નામના વ્યકિતને વેચાણ કર્યુ. આ પ્રકારે ખોટા વેચાણ કરાર બનાવીને મકાનને પડાવવાના કાવતરામા પોલીસે ઈમરાનની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી ઈમરાન મેમણ છેતરપિંડીનો માસ્ટર માઈન્ડ હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. આ મકાન ઉપરાંત પણ તેની વિરૂધ્ધ અનેક અરજીઓ થઈ હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. તેનો ભાગીદાર ઈન્દ્જીત રાવલનું થોડા સમય પહેલા જ અવસાન થયુ છે. જયારે અન્ય આરોપી મનોજ શાહને લઈને પણ તપાસ શરૂ કરવામા આવી છે. આ ત્રીપુટીએ મકાન પડાવવાના ષડયંત્રમા અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે.આ ઉપરાંત અન્ય કોઈ વ્યકિત આ કાંડમાં સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. 1956મા મિલકતના પ્રથમ માલીક ભોગીલાલ અને મોહનભાઈ હતા. તેમણે આ મકાન ઉત્પલના પિતા સુરેન્દ્રભાઈ અને કાકા વિનોદભાઈને વેચાણ કર્યુ હતુ. પરંતુ તેમના અવસાન બાદ મકાનના માલીક તેમના પત્ની સુલોચનાબેન બન્યા હતા. આ ત્રીપુટીએ પરિવાર અમેરિકા જતો રહેતા આ ષડયંત્ર આચરીને કૌભાંડ આચર્યુ હોવાનુ ખુલ્યુ છે. હાલમા વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે.