Ahmedabad :શહેરના જમાલપુર ચકલા પાસે આવેલી રીયાઝ હોટલમાં ચા પીવા માટે આવેલા બીલ્ડર પર ત્રણ અજાણ્યા શક્સોએ હુમલો કરતા ચકચારમચી ગઇ છે. બીલ્ડર તેમના મિત્રો સાથે ચા પીવા માટે હોટલમાં ગયો હતો જ્યા બેસવા માટેની જગ્યા નહી હોવાથી તેણે ત્રણ યુવકોને થોડી બેસવા માટે જગ્યા માંગી હતી. ત્રણ યુવકોએ બીલ્ડરને બેસવાની જગ્યા નહી આપતા માથામાં સ્ટીલનો જગ મારી દીધો હતો અને બાદમાં રકાબી મારીને લોહીલુહાણ કરી દીધો હતો.
શાહઆલમ વિસ્તારમાં આવેલા ગુલિસ્તાન સોસાયટીમાં રહેતા મોહમદરોહાન રંગરેજે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. રોહાન બહેરામપુરા ખાતે આવેલા સુએઝ ફાર્મ પાસે રોહાન કોર્પોરેશન નામની કન્સટ્રક્શનની કંપની ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાતે પોણ આઠ વાગ્યાની આસપાસ રોહાન તેના મિત્રો અયાઝ શેખ, ફરદિનખાન પઠાણ, અયાન મેમણ સાથે જમાલપુર ચકલામાં રિયાઝ હોટલ પર ચા પીવા માટે આવ્યા હતા. રીયાઝ હોટલમાં રોહાન સિવાયના મિત્રો ટેબલો પર બેસી ગયા હતા. ત્યારે રોહાને એક ટેબલ પર બેઠેલા ત્રણ શખ્સોને થોડી બેસવા માટે જગ્યા આપવા માટેનું કહ્યુ હતું. રોહાને ત્રણ અજાણ્યા શખ્સોને કહ્યુ હતુંકે બીજા ટેબલ પર જગ્યા નથી થોડા ખસી જાઓ હુ ચા પીને જતો રહીશ.
ત્રણ પૈકી એક શખ્સ રોહાનની વાત પર ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલવાનું શરૂ કરી દીધુ હતું. રોહાને ગાળો બોલવાની ના પાડતા એક શખ્સે તેના મોઢા પર ફેંટો મારવાનું શરૂ કરી દીધુ હતું. શખ્સે ટેબલ પર મુકેલો સ્ટીલનો જગ લઇને રોહાનના માથામાં મારી દીધો હતો જેથી તેને લોહી નીકળવાનું શરૂ થઇ ગયુ હતું. ત્રણેય શખ્સોએ રોહાનને પકડી લીધો હતો અને માથામાં રકાબી મારી દીધી હતી. રોહાનને મારખાતા જોઇને તેના મિત્રો પણ વચ્ચે પડ્યા હતા. ત્રણ શખ્સો પૈકી એક છરી લઇને આવ્યો હતો અને રોહાન તથા તેના મિત્રોને જોઇ લેવાની ધમકી આપી હતી. રોહાનને માથામાંથી લોહી નીકળતુ તેને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રીયાઝ હોટલમાં બબાલ થતા પોલીસની ટીમ તરતજ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને રોહાનની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હુમલો કરનાર ત્રણેય શખ્સો કોણ છે તે મામલે પોલીસે શોધખોળ શરૂ કરી છે.