Ahmedabad :અમદાવાદ શહેરનું કુલ ક્ષેત્રફળ ૫૦૫ ચો.કિમી છે, જેમાં કુલ રોડની લંબાઈ ૨૬૩૪ કિમીની છે પરંતુ ૭૨% રસ્તાઓ એટલે કે ૧૯૦૨ કિમી રસ્તાઓ પર ફૂટપાથ નથી જેના કારણે રાહદારીઓએ રસ્તા પર ચાલવું પડે છે, જેથી વર્ષ ૨૦૨૦ માં ૧૧૮૫ અને ૨૦૨૧માં ૧૪૩૩ અકસ્માત સર્જાયા, બે વર્ષમાં ૨૬૧૮ અકસ્માતમાં ૭૪૪ લોકોના મોત થયા અને આજ કારણે અકસ્માતે થયેલા મૃત્યુ કેસમાં ૨૦૨૦માં અમદાવાદનો ૧૪ મો ક્રમ હતો જે વધી ને ૨૦૨૧ માં ૧૧ મો ક્રમ થઈ ગયો છે, આ અકસ્માતોમાં ૨૫% રાહદારીઓના મૃત્યુ થયા અને આ તમામ અકસ્માતમાં મ્યુનિ કોર્પોરેશન જવાબદાર છે, ત્યારે આ મુદ્દે આજ રોજ મ્યુનિ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને સાથે જ બજેટમાં કરેલ વાયદાઓમાં ના કરેલા કામો અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
શહેરમાં સેન્ટ્રલ વર્જના ડેવલોપમેન્ટ માટે કોઇ પોલિસી નથી ફૂટપાથ ઉપર કેટલાય સ્થળોએ ‘માય બાઇક’ પ્રોજેક્ટના નામે મોટા જથ્થામાં સાયકલ પાર્ક કરવામાં આવે છે. આ સાયકલોના કારણે પણ નાગરિકોને ફૂટપાથ વાપરવા મળતી નથી. તેઓ રોડ ઉપર ચાલવા મજબૂર બને છે અને અકસ્માતનો ભોગ બને છે. શહેરમાં સેન્ટ્રલ વર્જના ડેવલોપમેન્ટ માટે કોઇ પોલિસી નથી. અમદાવાદ શહેરમાં સેન્ટ્રલ વર્જની પહોળાઇ, તેમાં રોપવાના થતાં વૃક્ષો, તેમાં લાગતા એડવર્ટાઇઝિંગના બોર્ડ સહિત તમામ બાબતોના મુદ્દે એક નીતિ હોવી અનિવાર્ય છે. આજે શહેરમાં મોટી સાઇઝના સેન્ટ્રલ વર્જ પણ અકસ્માતનું એક કારણ બની રહ્યાં છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં હજુ પણ સેન્ટ્રલ વર્લ્ડ એટલે કે, સર્કલની ડિઝાઇનની કોઇ અમલી નથી. શહેરમાં ચાર કે જંકશનો ઉપર જે સેન્ટ્રલ વર્જ કે સર્કલનો વિકાસ કરવામાં આવે છે, જેમાં જુદી-જુદી ત્રિજ્યામાં સર્કલનો વિકાસ કરવામાં આવે છે તેવા સંજોગોમાં કેટલાંક જંકશનો ઉપર મોટા સર્કલ થઇ ગયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. અકસ્માત પણ વધ્યાં છે.
કરોડો રૂપિયાના બજેટોના કામ અધૂરા સામાન્ય સભામાં બજેટના કામો અંગેની રજૂઆત કરતા વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાના બજેટો અંગેની જાહેરાત કરવામાં આવી છે છતાં પણ હજી હજી સુધી મોટાભાગના કામો થયા નથી બજેટમાં થલતેજ વિસ્તારમાં ઝાયડસ રોડ ઉપર 30 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરાઈ હતી પરંતુ, હજી સુધી બનાવવામાં આવી નથી. શહેરમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ બનાવવાની વાત હતી પરંતુ હજી સુધી એક પણ ટોયલેટ બનાવવામાં આવ્યા નથી આમ કરોડો રૂપિયાના હજી સુધી ન થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેને લઇ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ જવાબ આપતા કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાના કામો અમે મંજૂર કર્યા છે અને તેમાં 85 ટકા કામો શરૂ પણ થઈ ગયા છે શહેરનો સૌથી મોટો પ્રોજેક્ટ એવો ખારીકટ કેનાલનો પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે જે સૌથી મોટી વાત છે. શીલજ પાસે રૂપિયા દસ કરોડનું દાન મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને આપવામાં આવ્યું છે. જેમાંથી 30 બેડની હોસ્પિટલ બની ગઈ છે. 2 મહિનામાં બનીને તૈયાર થઈ ગઈ છે.