25 વર્ષથી ગરીબ દર્દીઓ માટે ફ્રીમાં રીક્ષાની સેવા આપતા રીક્ષા ચાલક ગફુરભાઈ મિયાણા.
અમદાવાદ શહેરની વસતિ 85 લાખ પાર કરી રહી છે. આ લાખો લોકોમાં સેંકડો લોકો એવા છે જે સેવાભાવી છે. બીજાના ભલામાં પોતાનું ભલું છે એવું માનીને તેઓ સમાજ માટે પોતાનાથી થાય તેટલાં સેવાકાર્યો કરે છે. મૂળ માળિયા-મિયાણાના વતની, 56 વર્ષના ગફુરભાઈ વર્ષોથી સમાજસેવા કરે છે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગવર્મેન્ટ કોલોનીમાં રહેતા ગફુરભાઈ ઈસાભાઈ જે 25 વર્ષથી ગરીબ દર્દીઓ માટે ફ્રીમાં સેવા આપે છે. પોતાનાં માતા-પિતા અને ત્યારબાદ 2002 માં પત્નીનું નિધન થયું એ પછી તેમણે આ સામાજિક કાર્ય શરૂ કર્યું છે. એક દીકરો અને એક દીકરી છે. બંનેને પરણાવી દીધાં છે અને બંને સુખી છે. ગફુરભાઈએ કોરોનાકાળ દરમિયાન લોકડાઉનમાં 800થી વધારે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાની સેવા પણ કરી હતી. તેઓ કહે છે કે, કોરોનાકાળ દરમિયાન તો દરરોજ 25થી 30 દર્દી આવતા હતા.
તેમણે કોરોનાકાળના દિવસોમાં તેમણે 40 હજાર રૂપિયાનો ગેસ દર્દીઓ માટે જ ફાળવી દીધો હતો.
હવે વાત એ આવશે આવક નો સ્ત્રોત તેમની એક કરિયાણાની દુકાન છે જે તેમણે માણસને નોકરી આપીને ચાલું રાખી છે. એમાંથી કમાણી થાય છે. વળી, બીજી કેટલીક ભાડાની આવક પણ છે. આમ ઓટો રીક્ષા ચલાવીને આર્થિક ઉપાર્જન કરવાની તેમને કોઈ જરૂરિયાત નથી.
તેઓ દરરોજ સવારમાં 10-10.30 વાગ્યે પોતાની ઓટો રીક્ષા લઈને દર્દીઓ માટે નીકળી પડે છે. સિવિલ હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ તેઓ દરરોજ સવારમાં 10-10.30 વાગ્યે પોતાની ઓટો રીક્ષા લઈને દર્દીઓ માટે નીકળી પડે છે. સિવિલ હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ… ગરીબ દર્દીઓ માટે તેમની રીક્ષા અને તેઓ પોતે હાજર હોય છે. અત્યંત નિઃસ્વાર્થભાવે તેઓ આ કામ કરી રહ્યા છે. આ સેવા ઉપરાંત બહારગામના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક રીતે જે ટિફિન સેવા ચાલે છે તેમાં પણ તેઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
અત્યાર સુધી આશરે એકસો જેટલા ગરીબ દર્દીઓના ઓપરેશનમાં તેમણે પોતે આર્થિક સહાય કરી છે.
ઓટો રીક્ષા તેઓ કમાણી માટે ચલાવતા નથી, પણ સેવા માટે ચલાવે છે.
છે. દરરોજ 500 રૂપિયા લઈને નીકળે. તેનો ગેસ ભરાવે. પછી રાત્રે ત્રણ-ચાર વાગ્યા સુધી તેઓ કામ કરે છે. સેવા માટે તેઓ કલાકો જોતા નથી. રાત્રે બે-ત્રણ વાગ્યે ઘરે આવે, નમાજ પઢે અને પછી સૂઈ જાય છે. સવારે દસેક વાગ્યે જાગીને નિત્યક્રમ પતાવીને નમાજ પઢીને ઓટો રીક્ષા લઈને અમદાવાદના રસ્તા ઉપર નીકળી પડે. હોસ્પિટલમાં જાય અને ગરીબોને જ્યાં ત્યાં યોગ્ય સ્થળે પહોંચાડે.
આવા છે ગફુરભાઈ. તેમની સાથે વાત કરીએ તો નરી સહજતા અને સરળતાનો અનુભવ થાય. તેઓ આવાં ઉમદા કાર્યો કરીને કોઈ મોટી ધાડ મારી રહ્યા છે તેવું પણ તેમને લાગતું નથી.
મેં એમને પૂછ્યું, આવું કરવાનું કારણ શું? તેમનો જવાબઃ એક માણસ બીજા માણસને મદદ કરે એની પાછળ કોઈ કારણ ના હોય. એ કરવાનું જ હોય.
બીજી વાત જણાવી કે હવે તેઓ એક ટ્રસ્ટ રજીસ્ટર કરાવી રહ્યા છે જે પ્રોસેસમાં છે. ત્યારબાદ ૩00 ટિફિન રોજે પહોંચાડવાની સુવિધા ચાલુ કરવાના છે. તે ઉપરાંત ગરીબ હિંદુ ભાઈ કે મુસ્લિમ ભાઈ મૃત્યુ પામે ત્યારે મોત મૈયત નું સામાન પણ ફ્રી માં આપવાના છે.